ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, અમદાવાદમાં તા. ૨૬ નવેમ્બર, ૨૦૨૫ના રોજ “સંવિધાન દિવસ”ની ઉજવણી ભાવભેર અને શિસ્તબદ્ધ રીતે કરવામાં આવી. આ કાર્યક્રમનું સંયુક્ત આયોજન વીર શહીદ વિનોદ કિનારીવાલા પુસ્તકાલય અને રાજ્યશાસ્ત્ર વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. ૨૬ નવેમ્બર, ૧૯૪૯ ના રોજ ભારતનું બંધારણ સ્વીકારવામાં આવ્યું હતું અને તે સ્મૃતિદિવસને ઉજવવાનો હેતુ વિદ્યાર્થીઓ તથા સ્ટાફમાં બંધારણીય જાગૃતિ, લોકશાહી મૂલ્યો અને રાષ્ટ્રીય ફરજો પ્રત્યેની પ્રતિબદ્ધતા વધારવાનો હતો.
ઉજવણીના ભાગરૂપે પુસ્તકાલયમાં બપોરે ૧૧:૩૦ થી સાંજે ૦૪:૩૦ સુધી બંધારણ, કાયદા અને ન્યાયતંત્ર સંબંધિત પુસ્તકોનું વિશેષ પ્રદર્શન યોજાયું. અનેક વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ આ પ્રદર્શનની મુલાકાત લીધી અને ભારતીય બંધારણ વિશેની પોતાની સમજ વધારી.
ઉજવણીનો એક વિશેષ ભાગ તરીકે કોલેજની ગ્રંથાલય સમિતિના સભ્ય તથા રાજ્યશાસ્ત્ર વિભાગના પ્રાધ્યાપક દિવ્યાગ પટેલ દ્વારા બંધારણના ઇતિહાસ, મૂલ્યો અને ભારતના લોકશાહી માળખાને મજબૂત બનાવવામાં તેના યોગદાન અંગે સંવાદાત્મક અને માહિતીસભર વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું. દિવ્યાગ પટેલના આ વક્તવ્યને વિદ્યાર્થીઓ અને સ્ટાફ તરફથી સરાહના પ્રાપ્ત થઈ. ત્યારબાદ બપોરે ૧:૪૫ વાગ્યે કોલેજ કેમ્પસમાં બંધારણના આમુખનું સામૂહિક વાચન આયોજન કરવામાં આવ્યું, જેમાં કોલેજના તમામ અધ્યાપકો અને વિદ્યાર્થીઓે ઉત્સાહપૂર્ણ હાજરી આપી. સૌએ એકસાથે આ પ્રસ્તાવનાનું વાચન કરી બંધારણમાં નિહિત ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વના મૂલ્યોને અનુસરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.


















