VEER SHAHID VINOD KINARIWALA LIBRARY

Gujarat Arts and Science College

Tree Plantation Programme_25 June 2026

વીર શહીદ વિનોદ કિનારીવાલા પુસ્તકાલય દ્વારા તા. ૨૫ જૂન, ૨૦૨૬ના રોજ કોલેજ કેમ્પસમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ આદરણીય પ્રિન્સિપાલશ્રી ડૉ. પંકજ સોલંકી સાહેબના અધ્યક્ષસ્થાને સવારે ૧૧:૦૦ કલાકે શરૂ થયો હતો અને બપોરે ૧૨:૩૦ કલાકે પૂર્ણ થયો હતો. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ માત્ર વૃક્ષારોપણ પૂરતો મર્યાદિત ન રહે, પરંતુ વૃક્ષોના જતન અને સંવર્ધન પ્રત્યે જવાબદારીની ભાવના વિકસે તે હતો. આથી કાર્યક્રમ માટે એક વૃક્ષ – એક જવાબદારી” થીમ પસંદ કરવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન પુસ્તકાલય સ્ટાફ, લાઇબ્રેરી સમિતિના સભ્યો તથા ઓફિસ સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વૃક્ષારોપણ સાથે દરેક સભ્યે એક અથવા વધુ વૃક્ષોના જતનની જવાબદારી સ્વીકારી હતી. કુલ ૨૧ વૃક્ષોની જવાબદારી વિવિધ સભ્યો દ્વારા સ્વીકારવામાં આવી હતી, જેથી આગામી વર્ષોમાં પણ આ વૃક્ષોનું યોગ્ય સંવર્ધન થઈ શકે.

આ પ્રસંગે ગત વર્ષના વૃક્ષારોપણ કાર્યની પણ સમીક્ષા કરવામાં આવી હતી. વર્ષ ૨૦૨૫ દરમિયાન પુસ્તકાલય વિભાગ દ્વારા કોલેજ પરિસરમાં કુલ ૨૩ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. સતત દેખરેખ, નિયમિત પાણી અને જતનના પરિણામે તેમાંથી ૧૮ વૃક્ષો આજે સારી રીતે વિકસીને કેમ્પસની હરિયાળી વધારવામાં મહત્વનું યોગદાન આપી રહ્યા છે. આ સફળતા પુસ્તકાલય વિભાગની પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું જીવંત ઉદાહરણ છે. આદરણીય પ્રિન્સિપાલશ્રી ડૉ. પંકજ સોલંકીએ માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે વૃક્ષારોપણ જેટલું મહત્વનું છે, એટલું જ મહત્વ તેનું જતન અને સંવર્ધન પણ છે.

કાર્યક્રમ દરમિયાન સૌએ પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા કેમ્પસના નિર્માણ માટે સતત પ્રયત્નશીલ રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. પુસ્તકાલય વિભાગ દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી હાથ ધરવામાં આવતી હરિયાળી અભિયાનની પ્રવૃત્તિઓ કોલેજ પરિસરને વધુ સુંદર અને પર્યાવરણમૈત્રી બનાવવામાં સહાયક બની રહી છે. આ રીતે વૃક્ષારોપણ કાર્યક્રમ સૌના સહયોગ અને ઉત્સાહપૂર્ણ ભાગીદારીથી સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.